Thursday, May 1, 2014

ગુજરાતને ભાંડવાનો ધંધો કરતી નાસમજ, નાપાક સૅલિબ્રિટીને હવે કહી દો ... ઇનફ!

ગુજરાતને ભાંડવાનો ધંધો કરતી નાસમજ, નાપાક સૅલિબ્રિટીને હવે કહી દો ... ઇનફ! -પ્રિઝમ: નીરજ જોશી, નવગુજરાત સમય

"મોદી વડાપ્રધાન તરીકે નાલાયક છે, એ જો સત્તા પર આવશે તો ભારતની અખંડિતતા, બિનસાંપ્રાદાયિક્તા ખતમ થઇ જશે. આવા જલ્લાદ, હેવાનને દેશનું સુકાન ન અપાય. કૉંગ્રેસની વિચારધારા જ દેશને તારી શકે." 70ની આસપાસ પહોંચેલા મહેશ ભટ્ટ નામના એક વૃદ્ધ ફિલ્મમેકરે હમણાં ભારત વિશે ચિંતા રજૂ કરી. એમની સુશીલ-સંસ્કારી દીકરી પૂજા ભટ્ટ, લાખ્ખો દિલોની ધડકન સુપરસ્ટાર રાહુલ બોઝ, ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ગાલિબ-ફૈઝથી ચઢે એવા જાવેદ અખ્તર, ઇન્ડિયામાંથી ઑસ્કાર જીતી શકે એવા ટૅલેન્ટેડ ફિલ્મમેકર શિરીષ કુંદર અને અભિનયમાં મેરીલ સ્ટ્રીપ, લીવ ઉલ્મન, નૂતન, મીનાકુમારી, વહીદાના એકસાથે છોતરાં કાઢે એવી પ્રતિભાશાળી નંદિતા દાસ... છેલ્લા દસ વર્ષથી પોતાના લગ્નસંસાર, સંતાન અને કારકિર્દી કરતાં પણ ગુજરાત વિશે વધુ સંવેદનશીલ છે. શબાના આઝમી, અંજુમ રજબઅલી, ગોવિંદ નિહલાની, ઝોયા અખ્તર, કબીર ખાન, અદિતિ હૈદરી, સઇદ મિર્ઝા, નસિરુદ્દીન શાહ, શેખર કપૂર... બધાંએ મોદીને હરાવવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અપીલ કરી છે.

જૉક્સ અપાર્ટ... હસબન્ડ કે વાઇફ સાથે ડિસ્ટન્સથી આલીશાન બંગલાઓમાં 5-સ્ટાર ફેસિલિટીઝ ભોગવતા આ મહાનુભાવોએ એક સારા હૅરસ્ટાઇલિસ્ટ પાસેથી નાક-કાન-આંખની પાંપણોના અને બીજે જ્યાં-જ્યાં ઍક્સ્ટ્રા વાળ ઊગી નીકળ્યા હોય એ સાફ કરાવવાની તાતી જરૂર છે. આસામની સરહદો પરથી આખું બાંગ્લાદેશ અહીં આવી જશે તો ચાલશે પણ મોદી નહીં એવું માનતા, જોવાની-સાંભળવાની-સૂંઘવાની ક્ષીણ ક્ષમતા ધરાવતા આ લોકોને આ સુવિધા મળે એ આપણા સૌનું દાયિત્વ છે. પૂજા મારી દીકરી ના હોત તો એની સાથે પરણી જાત એવું જાહેરમાં કહી ચોરીથી સૅક્સપ્રચૂર-વલ્ગર ફિલ્મો વેચતા મહેશ ભટ્ટ અથવા સ્ટેટ-CBSE સ્કૂલ્સના વિદ્યાર્થીઓને ઍક્ટિંગને નામે ગોળ-ગોળ સમજાવતા રાહુલ બોઝ જેવાઓ પોતાનું ઘર ફૂંકી, ફૅમિનિઝમનો આંચળો ઓઢી, બાળકોને મેઇડના હવાલે કરી, પૃથ્વી-ટાટા, બાન્દ્રા-અંધેરીના થિયેટર્સના પેજ-3 પર સિગારેટ-શરાબના નશામાં ચૂર થઇ પોતાના ચારિત્ર્ય વિશે ચિંતા કરવા કરતાં મોદી-ગુજરાતને ભાંડવાની હામ ભીડી છે, કદાચ પૂરતું કામ મળતું નહીં હોય!

સૅક્યુલર થૂંકમાં ઉછરેલા આવા દંભીઓને માનવ અધિકારોની આંખોથી કાશ્મીર-આસામ-પંજાબનું નગ્ન સત્ય દેખાતું નથી. આમાંના કોઇને પર્સનલી મળો તો સ્ક્રીનની સૌમ્યતા, અભિનયનું ઊંડાણ અને મિશ્કીલ હાસ્ય સોડા-બૉટલનો ફૂવારો બની ઑસરી જાય, જાણે સળંગ છ વાર કૅન્સ ઍવોર્ડ મળ્યો હોય એવો રૂઆબ... પોતાના ક્ષેત્રમાં કોઇ મહત્વના સ્થાન-કક્ષાએ ન પહોંચેલા આ આદમીઓ/ઔરતો હાથપગ ફેલાવ્યા પછી પણ ઊકાળી ન શકવાથી નાસીપાસ થઇ નાછૂટકે સમાજ તરફ નમાજ પઢે છે, અંગ્રેજી બેસ્ટસેલર્સમાંથી લાઇન્સ ઊઠાવી ગુજરાતીને માપવાની તરકીબો કર્યા કરે છે. પોતાને ખેરખાં સમજી નાટકને નામે સ્ટેજ પર ઊભા-ઊભા સ્ટોરી બોલી બૌદ્ધિકપણાનો ડોળ કરતાં આ પક્ષપાતીઓને પોતાનો 'ધંધો' સંભાળવાની હવેથી ગુજરાતીઓએ શિખામણ આપવી રહી.
સુગઠિત શરીરમાં હોમોસૅક્સ્યુઅલિટી, ફૅમિનીઝમની હરાજી કરતી આ ટોળકી બયાનબાજીની દુકાનમાં છઠ્ઠે મહિને જ પ્રિ-મૅચ્યોર ડિલીવરી કરવા ઉતાવળી બની જાય છે... કૉટન-સિલ્કની સાડીઓમાં લો'રિયલ લટો ઉડાવતી, ચાંદલાને 'ભારતીયતા' તરીકે યુઝ કરતી, મત્સ્યાહાર કરીને તળેલી કઢાઇ જેવાં ચહેરામાં સૂરમો આંજેલી બાઇઓ ગમે-તેને ફિરાકમાં લઇ કાણ-મોકાણનાં છાજિયાં લેતી હોય ત્યારે આશ્ચર્ય સાથે કાળજું કંપાય... થિયેટર-ફિલ્મમાં નવું ફોર્મ, થૉટ્સ, સ્ક્રીપ્ટ, ડિવાઇસ શોધવાને બદલે આ સૅલિબ્રિટીઝ-જીવડાંઓ ઇમ્પોર્ટેડ કાર્સ, કૉસ્મેટિક્સ વાપરી ટોળામાં અહીં ઊતરી લોકલ ચાંપલાઓ સાથે સમાજભાન 'સૅલિબ્રેટ' કરી પાછા પોતાની દુનિયામાં જતાં રહે છે.

એક કલાકાર તરીકે એમણે કોઇ મંતવ્યો રજૂ ન કરવા કે આર્ટીસ્ટની તડપને વૅન્ટીલેશન ન આપવું એવું નથી પણ રજૂઆતમાં જૂઠ ના હોય, તથ્ય તપાસીને નિર્ભીકપણે બોલાયું હોય... ભૂતકાળમાં ઍક્ટિવલી ઇન્વોલ્વ બલરાજ સહાની, સુનીલ દત્તથી વિરુદ્ધ આ કુથલીખોરો એટલા પાવરધા છે કે વિશ્વભરમાં લાઇમલાઇટમાં રહેવા ન્યુઝચૅનલ્સ પર સ્ટૅન્ડપૉઇન્ટની બરખાબહારમાં ગુજરાતને ભાંડી ગુજરાન ચલાવે છે. શૅઇમ ઓન યુ ઑલ! ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કહેતાં પહેલાં પોતાની કારકિર્દીનું ટાઇમટેબલ તો જોવું'તું? કદાચ એકાદ સારી ઑફર મળી જાત!

મોદી સાથે ગુજરાતને પણ હીન નજરોથી જોનારાઓનાં લિસ્ટમાં લૉબીથી નોબૅલ જીતેલા અમર્ત્ય સેન, લંડનના ગૌતમ આપ્પા, ભાગેડુ સલમાન રશદી, ઑક્સફોર્ડના નંદિની ગુપ્તુ, કૅમ્બ્રીજના જોયા ચેટર્જી પણ બ્રિટીશર્સની ચરણરજ માથે ચઢાવી મોદીરૂદન કરી રહ્યાં છે, આમની આંખોનું ઝેર માત્ર મોદી નહી, પૂરા ગુજરાત માટે છે. એ ગુજરાત કે જેના અમદાવાદને ફૉર્બ્સે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ચાઇનાના બે શહેરો પછી ત્રીજો નંબર આપ્યો... એ અમદાવાદ ભારતનું સાતમું મહાનગર હોવાં છતાં નેશનલ ક્રાઇમ રૅકોર્ડ્સ બ્યુરો મુજબ ક્રાઇમ રેટમાં સૌથી ઓછું, પીઝા-મલ્ટીપ્લૅક્સ ખૂલવામાં પ્રથમ અને કેન્દ્રની પૉલિસીઝના અનુસરણમાં ત્રીજા નંબરનું શહેર છે... એ ગુજરાતના મજૂરનો કામ વગરનો રહેવાનો રેશિયો વર્ષમાં માત્ર 0.42% છે...

ભારતનું 5% પૉપ્યુલેશન-એ ગુજરાતીઓ ભારતના ઇન્ડિયન સ્ટૉક-માર્કેટનો 30% શૅર ઘરાવે છે... એ ગુજરાતીઓની 17,000 હોટલ્સ-મોટેલ્સ USની ઇકોનૉમી-લૉજીસના 50% જેટલી છે... ભારતની બૅંક્સમાં એ ગુજરાતના NRIની હજારો કરોડની ડિપોઝીટ્સ છે... ઍવરેજ અમેરિકન ફૅમિલી કરતાં ત્યાં રહેતું ઍવરેજ ગુજરાતી ફૅમિલિ ત્રણગણી ઇન્કમ ધરાવે છે... દેશના 7.8%ના GDP સામે ઍવરેજ 13.4% GDP ધરાવતું એ ગુજરાત 2200 કિમીના ગંજાવર ગૅસલાઇન નેટવર્કથી થર્મલ ઇલેક્ટ્રીસિટી અને ન્યુક્લિયર ઇલેક્ટ્રીસિટી પેદા કરવામાં અગ્રેસર છે...

ભારતને 78% નમક ખવડાવતું એ નમકહલાલ ગુજરાત આ હરામખોરોના પોઇન્ટ-ઑફ-વ્યૂનું મોહતાજ નથી, ગાંધી અને જિન્નાહ બન્નેને પેદા કરવાની આ ભૂમિની તાકાત છે! એશિયાટીક સિંહો સાથે ભારતમાં સૌથી વધુ શાકાહારીઓ ધરાવતા ગુજરાતને ઘાસપૂસ સમજી બોલવા કરતાં ખભે-ખભા મિલાવી સ્પર્ધા કરવા બહુ મજૂરી કરવી પડશે જનાબ.

ગુજરાત કે ગુજરાતીને ભાંડતા આવા સૅલિબ્રીટીઝ હવેથી એલફેલ બોલે તો પૂતળા દહન કે ચપ્પલોના હાર નહી, બ્લૉગ્સ-પત્રો-ઇમેઇલ્સથી એટલું કહીશું કે સીનામાં દમ હોય તો સામાન્ય ગુજરાતી સાથે એકવાર હૅલ્ધી ડિબેટ કરે... અમદાવાદના ફાફડા, રાજકોટના પેંડા, ભાવનગરી ગાંઠિયા, સુરતની ઘારી-ખારી, વડોદરાના ચેવડા સાથે તમારા ટ્રોફીઓ વગરના શૅલ્ફમાં મૂકવા તિખ્ખું સણસણતું સન્માનપત્ર તો આપીશું જ!મુશ્કિલે જરૂર હૈ મગર ઠહેરા નહી હૂઁ મૈં, મંજીલ સે જરા કહે દો અભી પહુઁચા નહી હૂઁ મૈં...

http://navgujaratsamay.indiatimes.com/editorial/opinion/Navgujarat-Samay-main-editorial-article-by-Neeraj-Joshi/articleshow/34438834.cms